• Home
  • News
  • લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતાં સંદીપ ગુસ્સે થયો ને ચૂંદડી વડે ગળેટૂંપો દઈને મીરાની હત્યા કરી નાખી, બંને વચ્ચે 4 વર્ષથી સંબંધ હતા
post

પોલીસથી બચવા સંદીપ વેશ બદલીને ફરતો હતો, વાળ પણ કઢાવી નાખ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-23 16:43:49

વડોદરા: વડોદરા શહેરના ચકચારી મીરા હત્યા કેસને નર્મદા પોલીસે ઉકેલી નાખ્યો છે અને સંદીપે જ ચૂંદડી વડે ગળેટૂંપો દઇને મીરાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મીરાની હત્યાર કરનાર સંદીપ પોલીસથી બચવા માટે વેશ બદલી નાખ્યો હતો. તેણે માથાના વાળ પણ કઢાવી નાખ્યા હતા, તેમ છતાં પોલીસથી બચી શક્યો નહોતો.

સંદીપને 4 વર્ષથી મીરા સાથે સંબંધ હતો
નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે ટેક્નિકલ સર્વેલન્સના આધારે સંદીપ મકવાણા વડોદરામાં હોવાની માહિતી મળતાં ટીમ રવાના થઇ હતી. તેની અટકાયત કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન તેણે ગુનો કબૂલ્યો હતો. સંદીપને 4 વર્ષથી મીરા સાથે સંબંધ હતો અને સંદીપ મીરા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. સંદીપે મીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે યુવતીએ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી ગુસ્સે થઇને યુવતીની ચૂંદડીથી ગળેટૂંપો દઇને હત્યા કરી નાખી હતી અને કેસરપુરા વિસ્તારમાં ફેંકી ભાગી ગયો હતો. બીજા દિવસે લાશને જોવા માટે પણ આવ્યો હતો. તેની ધરપકડ કરી છે. ચૂંદડી પણ જપ્ત કરી છે. યુવતીનો મોબાઇલ હજુ સુધી મળ્યો નથી. પ્રી-પ્લાન હત્યા કરી હતી. બંને વચ્ચે કેવા સંબંધ હતા એ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ.

ગુમ થયા બાદ યુવતીની લાશ મળી
વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરા સોલંકી એકાએક ગુમ થતાં પિતા નિલેશભાઈ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન મીરા સોલંકીની રહસ્મય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપુરા ગામ નજીક ખેતરમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી હતી. બીજી બાજુ, નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલા ખેતરમાંથી મીરાની લાશ મળી આવતાં તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. મીરાની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મીરાનાં પરિવારજનો તિલકવાડા આવી પહોંચ્યા હતા અને એ લાશ પોતાની જ પુત્રી મીરાની હોવાની ઓળખ કરી હતી.

હું સંદીપ સાથે છું, ચિંતા કરશો નહીં એવો યુવતીએ મેસેજ કર્યો
ત્યાર બાદ તિલકવાડા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ મીરાની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મીરા જ્યારે ઘરેથી નીકળી ત્યારે મીરાએ તેની પિતરાઈ બહેનને વ્હોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદીપ સાથે છું, ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. નર્મદા પોલીસે એ મેસેજને આધારે હત્યારાને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ મેસેજ પરથી સંદીપ મકવાણા પર પોલીસને શંકા ગઈ હતી અને સંદીપને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. યુવતીની હત્યા બાદ તેનો મિત્ર સંદીપ મકવાણા ગુમ હતો. પોલીસ તેની શોધખોળમાં લાગી હતી અને વડોદરાના અલગ-અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

સંદીપે હત્યા કરી હોવાનો ગુનો કબૂલ્યો
સંદીપ મકવાણા વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. મીરાનાં પરિવારજનોને પણ એવી માહિતી મળતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયાં હતાં. નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સંદીપ મકવાણાને શંકાને આધારે 22મી એપ્રિલે ઝડપી પાડ્યો હતો. પોલીસ સંદીપને લઇને મામલાની વધુ પૂછપરછ કરતાં તેણે હત્યા કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post