• Home
  • News
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ મેળવવા અને શહેરોમાં રિયલ એસ્ટેટની સ્થિતિ સુધારવા સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકા માફી આપવા રાજ્ય સરકારની હિલચાલ
post

કોરોનાને કારણે બિલ્ડરોને થયેલા નુકસાનમાં સહાય આપવાની સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફાયદો મેળવવા સરકારની વ્યૂહરચના

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 12:28:29

કોરોનાને કારણે ગુજરાતમાં શહેરોમાં રિયલ એસ્ટેટની બગડેલી હાલતને સુધારવા માટે રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં ટૂંકા ગાળા માટે 50 ટકા ઘટાડો કરી બિલ્ડરોને બેઠા કરવાની દિશામાં આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે આ અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

ફ્લેટ સહિતની પ્રોપર્ટી ખરીદનારને ફાયદો થશે
રાજ્ય સરકાર પણ સ્થાનિક ચૂંટણી પહેલાં રિયલ એસ્ટેટ અંગે નિર્ણય લઇને ચૂંટણીમાં પણ ફાયદો મેળવવાની કોશિશ કરી શકે છે, જેમાં ફ્લેટ, મકાન કે અન્ય પ્રોપર્ટી ખરીદનારને મોટો ફાયદો થઇ શકે એ માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે.

બિલ્ડર એસોસિયેશન સરકારને વિનંતી કરતું હતું
કોરોનાની મહામારી વચ્ચે રિયલ એસ્ટેટ પડીભાંગ્યું છે. રાજ્યના બિલ્ડર્સ એસોસિએશને આ સમયમાં સરકાર પાસે વિવિધ માગણીઓ કરી આ સેક્ટરને ઉપર લાવવાની વિનંતી કરી છે, જેનો સ્વીકાર કરવામાં આવી શકે છે, રાજ્ય સરકાર પ્રોપર્ટી પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં મોટો ઘટાડો કરી પ્રોપર્ટી સસ્તી કરી શકે છે.

અધિકારીઓ વચ્ચે મંત્રણાઓ ચાલે છે
શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. આ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. વિભાગના અન્ય અધિકારીઓ સાથે હાલ મંત્રણા ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિર્ણય લેવામાં આવશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી વેળા રિયલ એસ્ટેટને બૂસ્ટર આપવાની સંભાવના
રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ પાલિકા અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે ત્યારે રિયલ એસ્ટેટને બૂસ્ટ આપવા માટે તેમજ ખરીદનારા વર્ગને રાહત આપવા માટે સરકાર સ્ટેમ્પ ડ્યૂટીના દરોમાં ઘટાડો કરે એવી સંભાવના છે.

ક્રેડાઈ અને ગાહેડની સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડાની માગ છે
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે પણ મિલકત પરની સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડીને 31મી ડિસેમ્બર 2020 સુધીમાં મિલકત ખરીદે તો 2 ટકા જ સ્ટેમ્પ ડ્યૂટી અને 31મી માર્ચ 2021 સુધીમાં મિલકત ખરીદે તો 3 ટકા જ સ્ટેમ્પ ડ્યૂટી લેવાની જાહેરાત કરી છે, જેને આધારે ક્રેડાઈ અને ગાહેડના સ્થાનિક હોદ્દેદારોએ પણ ગુજરાતમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માગણી કરી હતી.

50 ટકાની સ્ટેમ્પ ડ્યૂટીની 6 મહિના સુધી રાખવામાં આવે એવી શક્યતા
ગુજરાતમાં આજે 4.90 ટકા સ્ટેમ્પ ડ્યૂટી અને 1 ટકા નોંધણી ફી મળીને 5.90 ટકા ડ્યૂટી વસૂલવામાં આવે છે. માત્ર મહિલા મિલકત ખરીદે તો તેને 1 ટકા નોંધણી ફીમાંથી માફી આપવામાં આવેલી છે. સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં 50 ટકા ઘટાડો કરવાનો અને એ છ મહિના સુધીનો રાખવામાં આવે એવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post