• Home
  • News
  • પોલીસ સામે કડક કાર્યવાહી:અમદાવાદમાં વૃદ્ધાને ઢસડીને લઇ જવાના કેસમાં ચાંદખેડાના 6 પોલીસકર્મીઓને DCPએ સસ્પેન્ડ કર્યા, PI કે.વી પટેલ સામે ખાતાકીય તપાસ
post

ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:19:18

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધને ઘરમાંથી ઘસડી લઇ ગયા હતાં. જેના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. જે મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીઓને ડીસીપી ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને પીઆઇ કે.વી પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ કરાયા છે. આ મામલે ઝોન 2 ડીસીપી વિજય પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.વી પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ માટે પોલીસ કમિશનર સાહેબને જાણ કરી છે અને ડી સ્ટાફના 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.

વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી
ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદા મુજબ પગલા લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો.

પીઆઈએ હેરાન કરવાના ઈરાદે ખોટી ફરિયાદ પણ કરી
સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આઈબીના પોલીસ ઈન્સ્પેક્ટરે હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ફરિયાદ કરી હતી. જેમાં તેમના પુત્ર પર આક્ષેપ કર્યો છે કે તેણે આઈબીના પીઆઈ પાસેથી બહુ મોટી રકમ ઉછીની લીધી છે, જે તે પરત આપતો નથી. આ કેસમાં પોલીસે અરજદાર બીમાર વૃદ્ધ મહિલાને ઘરમાંથી ઢસડીને અને તેમના વૃદ્ધ પતિને ખાટલા સાથે ઘરની બહાર કાઢયા હતા અને માર્યા હતા.

અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા
તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હેરાન કર્યા હતા. આ ઉપરાંત, કોઈ પણ પૂછપરછ વગર ચાંદખેડા પોલીસ અને આઈબીના પીઆઈ તેના પુત્રને ઉઠાવી ગયેલા અને પોલીસ સ્ટેશનમાં પુત્ર પર માનસિક અત્યાચાર ગુજારેલો. અરજદારે એ પણ રજૂઆત કરેલી કે, તેના પુત્ર પાસે પોલીસે દસ્તાવેજો પર પરાણે સહી કરાવેલી છે. આ કેસમાં અરજદારના પુત્ર પૈસા ઉછીના લીધા હોય તો તેના માતા-પિતાને ત્રાસ શા માટે અપાયો છે. આ કેસને લઈને અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા હતા.

ચાંદખેડા પોલીસની ડિટેક્શન પર કોઈ ખાસ કામગીરી નથી
ઉલ્લેખનીય છે કે ચાંદખેડા વિસ્તારમાં દારૂ, જુગાર અને ગુનાહિત પ્રવૃત્તિઓની અનેક ફરીયાદ ઉઠી છે. જેમાં ચાંદખેડા પોલીસની ડિટેક્શન પર કોઈ ખાસ કામગીરી નથી. પરંતુ દારૂ જુગાર અને અરજીઓ પર પોલીસ તોડબાજી કરવામાં સક્રિય હોવાની કામગીરી વધુ હોવાની ફરિયાદ થઈ હતી. પીઆઇ કે.વી પટેલના ખાસ ગણાતા જુના પોલીસકર્મીનો આ વિસ્તારમાં દબદબો છે. જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હતી. જેમાં સાબરમતી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટાપાયે તેનો દબદબો ચાલે છે. ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ આવતા હવે પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા પડ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post