• Home
  • News
  • મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને કારણે માવઠારૂપી આફતનાં એંધાણ, 25 ડિસેમ્બરથી ઠંડી વધશે
post

રાજ્યના અનેક વિસ્તારોમાં પારો સિંગલ આંકડામાં પહોંચે એવી શક્યતાઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 12:21:52

ઉત્તર દિશાના બર્ફીલા પવનોની અસર ગુજરાતના વાતાવરણ પર થઈ રહી છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાન 12 ડીગ્રીથી નીચે નોંધાયું છે, ત્યારે હવે ફરીવાર એક માવઠાની આફતના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આગામી 2થી 3 જાન્યુઆરીની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેનો ટ્રફ હિમાલયથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતથી અરબ સાગર સુધી લંબાવાય એવી શક્યતાઓ છે, જેથી હવે આગામી 25 ડિસેમ્બરથી રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં પારો સિંગલ આંકડામાં પહોંચે એવી શક્યતાઓ સેવવામાં આવી છે.

જાન્યુઆરીની શરૂઆતમાં માવઠાની સંભાવના
જાન્યુઆરીના શરુઆતના દિવસોમાં માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે, પરંતુ આગામી 25 ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થશે. રવિવારે પણ નલિયા 8.4 ડીગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 13.6 ડીગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો, જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી 10 ડીગ્રીએ પહોંચી જતાં લોકો ઠૂઠવાયા હતા.

નલિયામાં કોલ્ડ વેવ રહેવાની આગાહી
હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 કલાક સુધી કોલ્ડ વેવની અસર જોવા મળશે, જેથી હાલમાં ઠંડીનું મોજું જળવાઇ રહેશે. રવિવારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી 10 ડીગ્રીએ પહોંચી ગયું હતું. આ સાથે ડીસામાં 9.6 ડીગ્રી, કંડલા 10 ડીગ્રી, વડોદરામાં 13.6 ડીગ્રી, રાજકોટમાં 11.5 ડીગ્રી, ભુજમાં 11.2 ડીગ્રી, વલસાડમાં 13 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ઠંડીનું જોર વધશે
પવનની દિશા બદલાઈને ઉત્તરથી દક્ષિણ-ઉત્તરના પવનો શરૂ થતાં અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોનાં તાપમાનમાં 1થી 5 ડીગ્રી સુધીનો વધારો થયો છે. રાજ્યમાં નલિયા 8.4 ડીગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. જોકે આગામી બે દિવસમાં ફરીથી ઠંડા પવન શરૂ થતાં એનું જોર વધવાની શક્યતા છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડીગ્રી વધીને 27.8 ડીગ્રી અને લઘુતમ તાપમાન 13.6 ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા ચાર દિવસથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનને કારણે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post