• Home
  • News
  • વડોદરાના માંજલપુરમાં માતા-પિતા દીકરાનો જન્મદિવસ હોવાથી મોલમાં કેક લેવા ગયા ત્યારે પુત્રએ કોરોના થવાની ડરથી ઘરે ફાંસો ખાઈ લીધો
post

માંજલપુર પોલીસે કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો, પરિવારજનોની પૂછપરછ શરૂ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-02 10:41:23

કોરોના સંક્રમણના ભયને લીધે ચિંતામાં પડેલા ધો. 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. તેણે આ અંતિમ પગલું એવા સમયે ભર્યું જ્યારે તેનાં માતા-પિતા આગામી 3જી જાન્યુઆરીના રોજ તેનો બર્થ ડે હોવાથી હરખભેર કેક લેવા માટે મોલમાં ગયાં હતાં. આ વિદ્યાર્થી કાયમ કોરોનાના ભયે હું વેક્સિન આવે પછી જ ઘરની બહાર નીકળીશ, તેવું વારંવાર રટણ કર્યા કરતો હતો.

વાળ કપાવવા જતા પણ ડરતો હતો
માંજલપુરના ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા અને વાઘોડિયા જીઆઇડીસીની જાણીતી ઓટો કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા સુનિલ ઝાનો પુત્ર રોહન (નામ બદલ્યું છે) અંબે ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. સુનિલભાઇના પરિવારમાં રોહન ઉપરાંત પત્ની અને એક મોટી પુત્રી છે. રોહન કોરોનાના ભયને કારણે ચિંતામાં રહેતો હતો તેમજ વેક્સિન આવી ગયા બાદ જ બહાર નીકળીશ તેવું રટણ કરતો હતો. એટલું જ નહીં તે વાળ કપાવવા બહાર નીકળતો ન હતો, તેથી તેના પિતા એકવાર હેર ડ્રેસર પાસે લઇ ગયા હતા. ફેબ્રુઆરીમાં કઝીનના લગ્નમાં પણ હાજરી આપવા અચકાતો હતો.

માતા-પિતા મોલમાં ગયા હતા
દરમિયાન ગુરુવારે તેના માતા-પિતા મોલમાં ગયા બાદ પરત ફર્યા ત્યારે રોહન ત્યાં ન હોવાથી તેની બહેનને તેને બોલાવવા કહ્યું હતું. જોકે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. તેનાં માતા-પિતાએ થોડીવાર સુધી દરવાજો ખખડાવવા છતાં રૂમમાંથી જવાબ ન આવતાં સુનિલભાઇએ વધારાની ચાવી વડે દરવાજો ખોલતાં પુત્રની પંખા પર લાશ લટકતી હતી. રોહનને એસએસજીમાં લઇ ગયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીઓમાં કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે ત્યારે બોર્ડની હેલ્પલાઇનની જેમ કોરોના અંગે જાગૃતિ ફેલાવતી હેલ્પલાઇન શરૂ કરાય તેવી જરૂરિયાત વર્તાઈ રહી છે.

રવિવારે જન્મદિવસ હોવાથી માતા-પિતા કેક લેવા ગયાં ને પુત્રે જીવન ટૂંકાવી દીધું
રોહનનો જન્મદિવસ આગામી 3જી જાન્યુઆરીના રોજ હોવાથી ગુરુવારે બપોરે સુનિલભાઇ તેમની પત્ની સાથે કેક લેવા જઇએ છીએ, તેમ પુત્રને કહીને ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન રોહન એક રૂમમાં સૂતો હતો. તેઓ મોલમાંથી કેક લઇને હરખભેર પરત આવ્યાં ત્યારે રોહન નજરે ન ચઢતાં તેની મોટી બહેનને તેને બોલાવવા કહ્યું હતું. જોકે તેના રૂમમાં તપાસ કરતાં રોહને ફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું. સુનિલભાઇ પોતાના પુત્રનો 3જી જાન્યુઆરીઅે બર્થ ડે હોવાથી બે દિવસ અગાઉ જ નવાં કપડાં ગિફ્ટ કરવા માટે લાવ્યાં હતાં. આ કપડાં રોહનને એટલાં ગમી ગયાં હતાં કે તેણે રવિવારના બદલે તે જ દિવસે પહેરવાનો આગ્રહ કર્યો હતો. કમનસીબે આ જ નવાં કપડાં પહેરીને રોહને ફાંસો ખાઇ લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post