• Home
  • News
  • સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, લોકડાઉનને લઈને કરિયાણા, દૂધની દુકાનો બહાર લાઈનો લાગી
post

અડાજણ, વેસુ, ઉધના વિસ્તારમાં હળવો વરસાદ, કમોસમી વરસાદથી ચિંતામાં વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:14:49

સુરતઃ શહેરમાં કોરોના વાઈરસનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. કોરોના વાઈરસને પગલે તા. 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વધુ 21 દિવસનું લોકડાઉન સમગ્ર દેશમાં જાહેર કરતા લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો હતો. પીએમની અપીલ બાદ શહેરના માર્કેટ તેમજ મોલમાં અને કરિયાણાની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી હતી. 21 દિવસ સુધી જીવન જરૂરી ચીજવસ્તુની લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા હતા. જેને કારણે દરેક લોકો સુધી આવશ્યક ચીજ વસ્તુઓ આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ તે ઉપલબ્ધ ન થવાની દહેશત વર્તાઈ છે. જ્યારે બે દિવસની આગાહીના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે બિમારીમાં વધારો થવાની શક્યતાના પગલે ચિંતામાં વધારો થયો છે.

વધુ એક પોઝિટિવ, ચાર શંકાસ્પદ

સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેમાં દિલ્હીનો પ્રવાસ કરી આવેલી ડભોલીની 19 વર્ષીય યુવતી,  શારજાહ અને ઝેક રીપબ્લીકનો પ્રવાસ કરી 16 તારીખે સુરત આવેલા વરાછાના 21 વર્ષીય યુવક અને કોઈ પણ  ટ્રાવેલ હિસ્ટ્રી નથી એવા યોગીચોકના 28 વર્ષીય યુવક તેમજ ગોપીપુરાના 76 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ચારેયને સ્મીમેર અને સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. 

આવશ્યક વસ્તુ મળી રહે તે માટે વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી

હકીકતમાં પીએમએ લોકોને કોરોના વાઈરસથી સાવચેત રહેવા જણાવ્યું છે. જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ પ્રજાને નિરંતર મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જેથી લોકોને જરૂરી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહે. પણ ખોટા હાઉના કારણે આવશ્યક વસ્તુની સંગ્રહખોરી વધી જતા તેનો સ્ટોક ખૂટી જવાની શક્યતા છે. સાથે જ ભાવ વધારાની નોબત આવે તો નવાઈ નહીં. જેથી લોકોએ જ પોતાની બુધ્ધિનો ઉપયોગ કરી પેનિક ફેલાવવાને બદલે સંગ્રહખોરી કરવાનું માંડી વાળવું જોઈએ તો જ દરેક ક્ષેત્રે કોરોના વાઈરસની મહામારીને આપણે હરાવી શકીશું.

બે દિવસ કમોસમી વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર જોવા મળી રહી છે. આ સાથે મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકમાં સાઇકલોનિક સરક્યુલેશન સિસ્ટમ છે. આ બે સિસ્ટમના કારણે બે દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારે શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જેથી ઠંડકભર્યુ વાતાવરણ થઈ ગયું છે.  

અંબિકાનિકેતન મંદિર બંધ

આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં સુરતના માતાજીની તમામ મંદિરો દર્શન માટે બંધ રહ્યા છે. તેની સાથે નવરાત્રીની નિત્ય પૂજા મંદિરના મહંત કે પૂજારી દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આઠમના હવનોનો પણ ભક્તોને આ વર્ષે લાભ મળશે નહીં. કોઈ મહામારીને કારણે સુરતમાં મંદિરો બંધ રહ્યાં હોય તેવો ઇતિહાસ છેલ્લી કેટલીક સદીઓમાં પ્રથમવાર આ વર્ષે થશે. અંબિકાનિકેતન મંદિર આજે બંધ રહ્યું હતું. જોકે, પુજાના લાઈવ દર્શન કરી શકાયા હતા.

પોલીસના દુરવ્યવહારને લઈને ભુખ હડતાળ

સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ગત રોજ પોલીસ દ્વારા દુરવ્યવહાર કરવામાં આવ્યો હતો. જેને પગલે મેડિકલ ઓફિસર ઓમકાર ચૌધરીએ પોલીસ કમિશનરને જાણ કરી હતી. ત્યારબાદ આરએમઓ અને સુપરિટેન્ડન્ટને પણ લેખિતમાં જાણ કરી હતી. આજે ઓમકાર ચૌધરી દુરવ્યવહાર કરનાર પોલીસ કર્મચારી સામે પગલાં ન ભરાઈ ત્યાં સુધી ભુખ હડતાળ પર ઉતર્યા હતા. જોકે, એસીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બાહેંધરી બાદ હડતાળ સમેટી લીધી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post