• Home
  • News
  • ચોરોને પકડતા સુરતના પોલીસ ઇન્સ્પેક્ટરો મધરાત્રે પોતાના જ ઘરમાં ચોરની જેમ પ્રવેશે છે
post

17-18 કલાક નોકરી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર પરિવારના સભ્યોથી અલગ રહે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-08 12:03:11

સુરત: શહેરમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે 17-18 કલાક ફિલ્ડમાં ફરતા પોલીસ ઇન્સ્પેક્ટરો રોજ સેંકડો લોકોંના સીધા સંપર્કમાં આવે છે. કોરોનાનો ચેપ તેમને ન લાગે તે માટે તેઓ ફિલ્ડમાં તકેદારી તો રાખે છે છતા પરિવારના સભ્યોથી તેઓ દુર રહે છે. સવારે 6 થી 8 ની વચ્ચે ફિલ્ડમાં આવ્યા બાદ તેઓ મધરાત્રે ઘરે જાય છે. કેરિયરમાં ચોર-લૂંટારૂઓને પકડનાર ઇન્સ્પેક્ટરો હાલના માહોલમાં પોતાના ઘરમાં મધરાત્રે ચોરની જેમ પ્રવેશે છે જેથી તેમના બાળકો તેમને ન વળગે.

પોલીસ સ્ટેશનમાં જ ન્હાઈને ઘરે જાય છે

સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.વી.કિકાણી રાત્રે 12 વાગે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ન્હાઈ લે છે. ત્યારબાદ ઘરે જઈને ફરીથી હાથ-પગ ધોઈ લે છે. ઘરે પોતાની કોઈ વસ્તનું કોઈને અડવા નથી દેતા. રાત્રે જાય ત્યારે બાળકો સુતેલા હોય છે જેથી તેઓ તેમની પાસે નથી આવતા.


સંતાનોને મળ્યા જ નથી

પુણાના ઇન્સ્પેક્ટર વી‌.યુ ગડરિયા પણ મધરાત્રે ઘરે જાય ત્યારે પહેલાથી ફોન કરી દે છે. તેઓ ઘરે જાય એટલે પત્ની પહેલાથી દરવાજો ખોલી રાખે. ઘરમાં પ્રવેશે તે પહેલા બુટ-મોજા બહાર જ કાઢી લે છે. ઘરમાં પ્રવેશે ત્યારે કોઈ વસ્તુને તેઓ અડતા નથી. ન્હાઈને પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. તેઓ પોતાના સંતાનોને મળ્યા જ નથી.


સંતાન સુવે પછી જ ઘરે જાય છે

ખટોદરાના ઇન્સ્પેક્ટર કે.બી.ઝાલા મધરાત્રે ઘરે જાય છે. લોકડાઉનના શરુઆતમાં પહેલા ઘરે ફોન કરીને પુછી લેતા હતા કે બાળક સુતેલું છે. જો સુતેલું હોય પછી જ ઘરે જતા હતા. ઘરમાં પણ એવી રીતે પ્રવેશતા કે બાળક જાગી ન જાય. પછી પોતાના રૂમમાં જ તેઓ રહેતા.


પરિવારને વતન મોકલી આપ્યો

મહીધરપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી.એ.આર્યને 22 તારીખે જ્યારે જનતા કર્ફ્યુનું એલાન થયું ત્યારે જ તેમને અંદાજો આવી ગયો હતો કે કદાચ આગળ લોકડાઉન જેવી પરિસ્થિતી આવશે. જેથ તેઓ ત્યારે જ તેમના પરિવારને વતન મોકલી આપ્યો હતો. જેથી છુટથી અને નિર્ભયતાથી ફરજ નીભાવી શકાય. તેઓને તેમના બાળકને જોવાનું મન થાય ત્યારે વીડિયો કોલ કરી લે છે.


વીડિયો કોલથી સંતાનનું મોઢું જોઈ લે છે

સરથાણાના ઇન્સ્પેક્ટર ટી.આર.ચૌધરીને પણ અંદાજો આવી ગયો હતો કે આગળ કદાચ કરફ્યું જેવી સ્થિતી આવી શકે અને કોરોના વાઇરસ ફેલાઈ શકે છે. જેથી તેઓએ પરિવારને પહેલા જ વતન મોકલી આપ્યો હતો.તેઓ પણ વીડિયો કોલથી સંતાનનું મોઢું જોઈ લે છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post