• Home
  • News
  • સુરતમાં બિલ્ડરે 42 ફ્લેટ વગર ભાડે રહેવા આપ્યા, કોરોનાને કારણે વતન જવા માંગતા પરિવારોને અટકાવી 90 ફ્લેટનું વેચાણ મુલતવી રાખ્યું
post

માત્ર મેઇન્ટેનન્સ વસૂલાશે, 2 વર્ષ સુધી લોકો રહી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 08:52:19

એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ બેકારીથી તૂટેલી આર્થિક કમર નાના પરિવારના મોભીઓને આપઘાત કરવા તરફ દોરી જતી હતી. આવો જ એક પરિવાર થોડા દિવસો પહેલા મોટા વરાછા નજીક વેલંજા ખાતેની એક પ્રોજેક્ટ સાઈટ ઉપર આવ્યો અને પરિવારના મોભીએ બિલ્ડરને પૂછ્યું કે, સાહેબ અમે વતન જવા માગીએ છીએ. અમારી પાસે ઘરવખરીનો સામાન રાખવા માટે મકાન નથી. તમારા ફ્લેટ ખાલી પડ્યા છે, શું થોડા મહિનાઓ માટે અમારો સામાન તમારા ફ્લેટમાં મુકવા દેશો? આ વ્યક્તિની આંખોમાં આંસુ પણ આવી ગયા હતા. બિલ્ડરને લાગ્યું કે જો આ વ્યક્તિને હું હમણાં મદદ નહીં કરું તું તે કંઈક અજુગતું કરી બેસી શકે છે. બિલ્ડરે તરત જ પોતાના અન્ય પાંચ ભાગીદારોને મનાવ્યા અને નક્કી કર્યું કે તેમની 90 ફ્લેટની તૈયાર સાઈટ ફક્ત મેઇન્ટેનન્સ લઈને વિના ભાડે એકથી બે વર્ષ સુધી જરૂરિયાત મંદ લોકો ને આપી દેશે. અત્યાર સુધી 42 ફ્લેટમાં લોકો રહેવા લાગી ગયા છે.

મુળ અમરેલી જિલ્લાના અને વરાછામાં વિનામૂલ્યે ટિફિન સેવા આપતાં વરાછાના પ્રકાશ ભાલાણી તેમજ અન્ય 5 ભાગીદારો સમક્ષ તેમનાં વતનનું એક પરિવાર મદદ માટે આવ્યું હતું. બજારની સ્થિતિએ મંદીના ખપ્પરમાં સપડાયેલાં પરિવારની લાચારીથી તેમની આંખો પહોળી રહી ગઇ હતી. તમામે વતનનું ઋણ ઉતારવાનું નક્કી કરી રત્નકલાકાર સહિત સૌરાષ્ટ્રવાસીઓની કફોડી સ્થિતિમાં કોઇ પણ રીતે મદદનો હાથ લંબાવવાનું નક્કી કર્યું હતું અને થોડાં સમય પહેલાં જ તેમનો મોટા વરાછા-વેલંજા રોડનાં તળાવ કાંઠે સાકારિત રૂદ્રાક્ષ લેક પેલેસના પાંચ વિંગમાં બનેલાં કુલ 90 ફ્લેટ્સ લાચાર પરિવારોને ટેમ્પરરી રહેવા આપવાનો નિર્ણય લીધો હતો.

ભાડું નહીં માત્ર મેઇન્ટેનન્સ ચૂકવો
પરિવાર સદ્ધર ન થાય ત્યાં સુધી લાઇટ-પાણી, સફાઇ, સીસીટીવી અને ફ્રિ વાય-ફાય કનેક્શનના માસિક મેઇન્ટેનન્સના જ 1500 રૂપિયા ઉપર જ વસવાટ કરવાની સુવિધા કરાઈ છે. ગણતરીના સમયમાં જ 42 પરિવારોએ તો ફ્લેટોમાં સામાન પણ ચઢાવી દીધો છે.

વતનનું ઋણ ઉતારવાની તક
સુરતના વરાછાના પ્રકાશ ભાલાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રએ ઘણું આપ્યું છે. વર્ષો પહેલાં સૌરાષ્ટ્રથી કર્મભૂમિ સુરતમાં સ્થાયી થયાં. અમારો પ્રોજેક્ટ રેડી હોવાથી થોડા સમય સુધી વેચાણ માંડી વાળી 90 ફલેટ્સને સેવાનો પ્રર્યાય બનાવવા ભાગીદારોએ એક અવાજે નિર્ણય કર્યો છે. ફ્લેટ્સ વગર ભાડે માત્ર મેઇન્ટેનન્સ ચાર્જનો જ બોજ આપી પરિવારોને બેઠાં કરવાનું નક્કી કર્યું છે. આ પરિવારોને જ્યાં સુધી પુરતો રોજગાર મળતો ન થાય, ત્યાં સુધી આ સુવિધાઓનો લાભ લઇ શકે છે.

ફરી વતન જવાની નોબત ન આવી
લાભાર્થી ઇશ્વર વોરાએ જણાવ્યું કે, નોકરી-ધંધાની આશમાં હાલમાં જ વતનથી પરત ફર્યાં છે પણ કારખાનાઓ ન ખૂલતાં મકાન ભાડાના પણ ફાંફાં છે. પરિવાર સાથે ગુજરાન મુશ્કેલ બનતાં ફરી સૌરાષ્ટ્ર જવાની તૈયારી કરી રહ્યાં હતાં. ત્યાં માનવતાના ધોરણે નવા નક્કોર ફ્લેટ મેઇન્ટેનન્સના ધોરણે મળતાં અહીં જ રહી સંઘર્ષ કરવાનું નક્કી કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post