• Home
  • News
  • કોરોના વાઇરસનો શંકાસ્પદ દર્દી સિવિલના આઇસોલેશન વોર્ડમાંથી ભાગી ગયો
post

13 દિવસ પહેલાં જ ચીનથી આવ્યો હતો વરાછાનો યુવક

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 11:11:11

સુરતઃ ચીનમાં ફેલાયેલો કોરોના વાઇરસ સુરત સુધી પહોંચી ગયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો સારવાર માટે આવેલો શંકાસ્પદ કોરોના વાઇરસનો દર્દી ભાગી જતા તંત્ર દોડતું થયું હતું. દર્દીએ નોંધાવેલા નામ સરનામાને આધારે બે થાણાની પોલીસ દર્દીની શોધમાં લાગી ગઇ છે. દર્દીને રાત સુધી પોલીસ શોધતી હોવાનું જાણવા મળે છે. બે દિવસમાં સિવિલમાં બે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ આવી ચૂક્યા છે.

પોલીસે ફોન કર્યો તો કહ્યું, ‘લગ્નમાં જવાનું છે.’
મંગળવારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વરાછાનો આશરે 41 વર્ષનો શખ્સ સારવાર માટે આવ્યો હતો. તે 19 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યો હતો. યુવાનને શરદી ખાંસી જણાતાં ડો. વિવેક ગર્ગે તેના પ્રાથમિક તપાસ માટે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં દર્દી આરએમઓને મળવા માટે જવાનું કહીને ભાગી ગયો હતો. પોલીસને જાણ કરતાં ખટોદરા અને વરાછા પોલીસે ફોન પર તેનો સંપર્ક કરતા તે લગ્ન પ્રસંગમાં ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ તેને શોધી રહી છે ત્યારે ભાસ્કરની ટીમે પણ યુવાનની શોધખોળ આદરી હતી. જેમાં યુવકે લખાવેલા સરનામાને આધારે સોસાયટી સુધી પહોંચી ગઇ હતી. જોકે, સોસાયટી મોટી હોવાથી તેમજ નામના વ્યક્તિને સ્થાનિક લોકો ઓળખતા નહીં હોવાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં સોમવારે અમરોલી વિસ્તારમાં રહેતો 25 વર્ષનો યુવાન શરદી ખાંસીના લક્ષણો સાથે આવ્યો હતો. તે 8 જાન્યુઆરીએ ચીનથી સુરત આવ્યો હતો. તબીબોએ બે કલાક સુધી તેને આઇસોલેશન વોર્ડમાં રાખીને તપાસ કરી હતી. બાદમાં ઘરની બહાર નહીં જવાની સલાહ આપી તેને મોકલી આપ્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી છે
શંકાસ્પદ કોરોનાનો દર્દી ભાગી જતાં તાત્કાલિક પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરી છે.> ડો. કેતન નાયક, આરએમઓ

શંકાસ્પદ વ્યક્તિને સિવિલમાં મોકલાય છે
આરોગ્ય અધિકારી ડો. પી. ઉમરીગરે જણાવ્યું હતું કે,અમારી ટીમ ચીનથી આવેલા લોકોનું 14 દિવસ ઓબ્ઝર્વેશન કરે છે અને શંકાસ્પદ જણાય તો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post