• Home
  • News
  • ગુજરાતની આ હોસ્પિટલમાં માત્ર 5 મિનિટમાં જ મળે છે કોરોનાના દર્દીનો HRCT રિપોર્ટ
post

રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું Philips કંપનીનું ૨૫૬ સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર ૦૫ મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસિટી રિપોર્ટ આપે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 10:06:34

સુરતઃ કોઈપણ રોગની સફળ અને સચોટ સારવાર માટે સૌપ્રથમ એ રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. શરીરમાં કોરોનાની હાજરી માટે જે રીતે RTPCR ટેસ્ટ જરૂરી છે, એ જ રીતે કોરોનાથી શરીરમાં કેટલાં પ્રમાણમાં ઇન્ફેક્શન ફેલાયું છે એ જાણવાં રેડિયોડાયગ્નોસીસનું આગવું મહત્વ છે. જેથી દર્દી (Patient) ને તાત્કાલિક સારવાર આપીને જીવન બચાવી શકાય. 

નવી સિવિલ (New Civil) ના રેડિયોડાયગ્નોસીસ વિભાગે કોરોનાની બન્ને લહેરમાં સિટી સ્કેન, એક્સ-રે તથા સોનોગ્રાફીની ૨૪ કલાક- રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરીને કોરોનાના નિદાન-સારવારમાં આગવું યોગદાન આપ્યું છે. અહીંના સ્ટાફે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ૩૬,૫૭૨ એક્સ-રે, ૧૪૮૪ સિટી સ્કેન, ૨૪૭૨ સોનોગ્રાફી કરી છે. 

ઉપરાંત, મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ના ૨૦૦, એમ.આર.આઈ. ૯૭ અને કલર ડોપ્લરના ૭૮ રિપોર્ટ  પણ કરાયા છે. વિભાગના કુલ ૮૪ જેટલા કર્મયોગીઓમાં ૭૦ ટકા મહિલાઓ ફરજ નિભાવી રહ્યાં છે, જેમણે દિવસરાત જોયા વિના ઈમેજિંગની કાબિલેદાદ કામગીરી નિભાવી છે. 

સુરતની નવી સિવિલ (Surat New Civil) માં રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું Philips કંપનીનું ૨૫૬ સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર ૦૫ મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસિટી રિપોર્ટ આપે છે. સુરત સિવાય રાજ્યની અન્ય કોઈ પણ સરકારી હોસ્પિટલમાં આ પ્રકારનું અદ્યતન મશીન ઉપલબ્ધ નથી. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા અને તેમના ઝડપી નિદાન માટે આ મશીન આશીર્વાદરૂપ બન્યું છે.

રેડિયોડાયગ્નોસીસ અને ઈમેજિંગ વિભાગના વડા અને પ્રોફેસર ડો. પૂર્વી દેસાઈ જણાવે છે કે, કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીઓનો ખૂબ ધસારો હોવાથી સ્ટેમસેલ બિલ્ડીંગમાં રેડિયોલોજી વિભાગ શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ, અને ગ્રાઉન્ડફ્લોર પર ૫૦૦ MM એક્સ-રે મશીન અને ડિજીટલ એક્સ-રેની સુવિધા ઊભી કરાઈ. 

તેમજ દાખલ કોરોના દર્દીઓના બેડ પર જ જઈને બેડસાઈડ સોનોગ્રાફી અને એક્સ-રે ચેસ્ટ માટે પોર્ટેબલ સોનોગ્રાફી અને એક્સ-રે મશીન રાજ્ય સરકારના સહયોગથી તાત્કાલિક ધોરણે ખરીદવામાં આવ્યાં. જેના સંચાલન માટે સ્ટેમસેલ બિલ્ડીંગ ખાતે ૨૪ કલાક રાઉન્ડ ધ કલોક રેડિયોલોજીસ્ટ, ટેકનિશ્યન, સર્વન્ટની ટીમો કાર્યરત કરાઈ. જેમણે જીવના જોખમે, સંક્રમિત થવાની પરવા કર્યા વિના એક્સ-રે અને અન્ય રિપોર્ટ આપવાંની કામગીરી કરી છે.

વધુમાં ડો.પૂર્વી દેસાઈ કહે છે કે, કોરોના (Coronavirus) ના લક્ષણો ધરાવતાં દર્દીઓના RTPCR ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે રિપોર્ટનું રિઝલ્ટ આવતાં ૨૪ થી ૪૮ કલાક સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન 'એક્સ-રે ચેસ્ટ' દ્વારા ફેફસાંમાં કેટલાં ટકા સંક્રમણ ફેલાયું છે એ સરળતાથી જાણી શકાય છે. જેથી દર્દીની ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે. 

HRCT થોરેક્ષ દ્વારા CT સ્કોર (CT સિવિયારિટી સ્કોર)થી કોરોના દર્દીને છેલ્લાં ૫ થી ૧૦ દિવસમાં ફેફસામાં થયેલા સંક્રમણનો ખ્યાલ આવતાં માઈલ્ડ, મોડરેટ કે સિવિયર કેસને સહેલાઈથી અલગ તારવી શકાય છે. જે કોવિડની વૃદ્ધિને ઓળખીને આગળની સારવાર માટે ખુબ ઉપયોગી બને છે. શરીરની ધમનીઓ, CT હાર્ટ એન્જીયોગ્રાફી, પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝ્મ ડાયગ્નોસિસ થાય છે, જેથી સમયસર સારવારના પગલાં લેવામાં આવતાં દર્દીનો જીવ બચાવી શકાય છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે પ્રથમ લહેર બાદ છ ડિજિટલ પોર્ટેબલ મશીનો આપ્યા હતા. જેનાથી દર્દીઓને પાસે જઈને કામગીરી ઝડપી અને સમયસર કરી શકાતી હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ૩૬૫૭૨ જેટલા એક્સ-રે તથા ૧૪૮૪ સિટી સ્કેન તેમજ ૨૪૭૨ સોનોગ્રાફી કરવામાં આવી હતી. 

આ ડિપાર્ટમેન્ટના ૧૯ રેસિડેન્ટ ડોકટરો, ૦૪ સિનીયર રેસિડેન્ટ ડોકટરો, ૯ ફેકલ્ટી, ૨૧ ટેકનિશ્યન, આઠ સર્વન્ટો, ચાર આસિસ્ટન્ટ મળી કુલ ૮૪ જેટલા કર્મયોગીઓએ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવીને કોરોના અને નોનકોવિડ દર્દીઓના ઈમેજિંગની કામગીરી કરી છે. સ્ટાફના ૬૦ ટકા જેટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યાં હતાં, પરંતુ સ્વસ્થ થઈને ફરીવાર ડ્યુટી પર જોડાયા હતા.

આ વિભાગમાં ફરજ બજાવતા રેસિ. ડો.વસિમ પટેલે મ્યુકરના કેસોના નિદાન માટે પણ આ વિભાગ સજ્જ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, કોવિડ દર્દી સ્વસ્થ થયાં બાદ મ્યુકર માઈકોસિસ થવાના કેસો સામે આવ્યાં છે, જેમાં અમારા વિભાગે આજ સુધી મ્યુકરના ૨૦૦ દર્દીઓના CT સ્કેન રિપોર્ટ કર્યા છે. મ્યુકરના દર્દીને PNS એટલે કે નાકથી ફંગસનો ચેપ લાગવાની શરૂઆત થાય છે અને ધીરેધીરે ઓર્બિટ (આંખ) અને ત્યારબાદ બ્રેઈન (મગજ)ને ચેપગ્રસ્ત બનાવે છે. 

દરેક મ્યુકરના દર્દીના નાક, આંખ અને મગજના અલગ અલગ ત્રણ રિપોર્ટ કરવાં પડતા હોય છે, પરંતુ ૨૫૬ સ્લાઈસ મશીનમાં એક સાથે આ ત્રણ રિપોર્ટ માત્ર ૦૫ મિનિટમાં થઈ જાય છે, અને ઝડપભેર સારવાર શરૂ કરી શકાય છે. આ રીત એક દર્દીના ત્રણ રિપોર્ટ મુજબ મ્યુકરના ૬૦૦ રિપોર્ટ કર્યા છે, અને તેમની આગળની સારવાર માટે ઈ.એન.ટી.વિભાગના મ્યુકરના સ્પેશ્યલ વોર્ડને સમયસર રિપોર્ટ પૂરા પાડ્યા છે.

ડો.વસિમ જણાવે છે કે, જ્યારે કોરોના પિક પર હતો, ત્યારે રોજના ૪૦ થી ૫૦ દર્દીઓને HRCTના  રિપોર્ટ માટે એટેન્ડ કરતાં હતાં, આજે સંક્રમણની ગતિ એકદમ ધીમી પડી છે, ત્યારે હવે રોજ ૦૮ થી ૧૦ દર્દીના રિપોર્ટ કરીએ છીએ. પ્રથમ લહેરમાં જૂની બિલ્ડીંગમાં ૧૬ સ્લાઈસ CT સ્કેનર મશીનમાં કોવિડ અને નોનકોવિડ દર્દીઓના CT સ્કેન કરાતા હતાં. જેમાં સમયનું વિભાજન કરીને એક જ મશીનમાં રિપોર્ટ કરવામાં આવતાં હતાં, જેના કારણે વારંવાર ફ્યુમિગેશન કરવાની સમસ્યા રહેતી હતી, અને સમયનો વ્યય થતો હતો. 

પરંતુ બીજી લહેરમાં સરકાર દ્વારા ૨૫૬ સ્લાઈસ મશીન ફાળવાયું જેને કિડની બિલ્ડીંગમાં ઇન્સ્ટોલ કરાયું, અને અહીં માત્ર કોવિડ દર્દીઓને તપાસવામાં આવે છે, જેથી સમસ્યાનો હલ થયો. આજે પણ આ મશીન ૨૪ કલાક કાર્યરત આ મશીનને ઓપરેટ કરવાં માટે ડોક્ટર્સ, ટેક્નિશ્યન અને સર્વન્ટનો કુલ ૦૯ કર્મચારીઓનો સ્ટાફ રોકાયેલો છે. જૂની બિલ્ડીંગમાં નોનકોવિડ દર્દીઓના CT સ્કેન કરવામાં આવે છે. જેથી સંક્રમણનો ભય દૂર થયો અને બંને પ્રકારના દર્દીઓની તપાસ પણ ઝડપી બની છે.  

કોઈ પણ હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગનું આગળપડતું સ્થાન હોય છે
મેડિકલ ક્ષેત્રનો વ્યાપ ફક્ત ડોકટરો અથવા નર્સિંગ સ્ટાફ સુધી મર્યાદિત નથી, ઘણા લોકોની આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જેમાં રેડિયોલોજી આગળપડતું સ્થાન ધરાવે છે. હકીકતમાં, કોઈપણ રોગની સફળ અને સાચી સારવાર માટે, પહેલા રોગની ઓળખ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રોગનું નિદાન કરવા માટે ઘણી વખત દર્દીના શરીરના આંતરિક ભાગોની તપાસ કરવામાં આવે છે, જેને રેડિયોલોજી કહેવામાં આવે છે.  

૨૫૬ સ્લાઈસ સિટી સ્કેનર મશીનની વિશેષતા
સુરતની નવી સિવિલના કિડની હોસ્પિટલની બિલ્ડીંગમાં કાર્યરત ૨૫૬ સ્લાઈસ સિટી સ્કેનર મશીન 'ઓલરાઉન્ડર' ની ભૂમિકા નિભાવે છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ફાળવવામાં આવેલું આ મશીન હાર્ટની એન્જીયોગ્રાફી, ધમની, આંતરડાની તપાસ,શરીરના તમામ આંતરિક અંગો, પેટના રોગો, સિટી સ્કેન, બોન (હાડકા), ફેફસા, ટ્રોમા, CT સ્કોર (CT સિવિયારિટી). લંગ ફાયબ્રોસિસની માત્ર ૦૫ મિનિટમાં ખુબ ઊંડાણપૂર્વક તપાસ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post