• Home
  • News
  • ગુજરાતમાં બંધને મિશ્રપ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો, વડોદરામાં અટકાયત, બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં
post

સુરતના મસ્જિદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 10:45:32

અમદાવાદ: CAA અને NRના વિરોધમાં અપાયેલા ભારત બંધની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી હતી. જેમા સુરતમાં બંધના મુદ્દે લિંબાયત વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. જ્યારે વડોદરામાં દુકાનો બંધ કરવા નીકળેલા ટોળાને પોલીસે વિખેરી નાખી 4 લોકોની અટકાય કરી હતી. અમદાવાદ અને રાજકોટમાં બંધ બે અસર રહ્યું હતું.

સુરતમાં પોલીસ પર પથ્થરમારો
સુરતમાં એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. દરમિયાન લિંબાયતમાં મદિના મસ્જીદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પથ્થરમારામાં એક પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયો હતો. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરામાં બંધના એલાનને પગલે એલર્ટ
વડોદરા શહેરના નવાયાર્ડ ફૂલવાડી વિસ્તારમાં CAA અને NRCનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. અને લોકોને બંધમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

ભરૂચમાં શાળાઓ અને દુકાનો બંધ
જમીયતે ઉલ્માએ હિંદ સંસ્થા દ્વારા CAA અને NRCના વિરોધમાં અપાયેલા બંધના એલાનને પગલે ભરૂચમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારની દુકાનો આજે બંધ રહી છે. ઉપરાંત બાળકોની સલામતીને ધ્યાને રાખીને પશ્ચિમ વિસ્તારની સ્કૂલો પણ બંધ રહી છે. અને એપીએમસીના વેપારીઓએ પણ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. વડોદરા શહેરમાં પણ બહુજન ક્રાંતિ મોરચાના કાર્યકરો બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરામાં કેટલીક દુકાનો બંધ રહી હતી.

બગોદરાથી બાવળા હાઈવે પર ટાયરો સળગાવી રોડ બ્લોક કર્યા

બગોદરા થી બાવળા હાઈવે ઉપર સર્વોદય હોટલવાળા રોડ પર ભારત બંધના સંદર્ભે ટાયરો સળગાવીને રોડ બ્લોક કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોના ટોળાઓને વિખેરી નાખ્યા હતા.

રાજકોટમાં બંધની કોઇ અસર નહીં
રાજકોટમાં બંધ કોઇ અસર જોવા મળી, તમામ વિસ્તારોમાં શાળા, કોલેજો તેમજ દુકાનો ચાલુ હતી. બંધના એલાનને પગલે કોઇ અનિચ્છનિય બનાવ બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું હતું.

અમદાવાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ, મુસ્લિમ બહુમતી સિવાયના વિસ્તારો ચાલુ રહ્યા
અમદાવાદ: સીએએ, એનસીઆરના કાયદાના વિરોધમાં દેશના વિવિધ સામાજિક સંગઠનો દ્વારા બુધવારે આપવામાં આવેલા ભારત બંધના સર્મથનમાં અમદાવાદના બહુમતી ધરાવતા મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું જ્યારે અન્ય સ્થળોએ બંધની અસર જોવા મળી નહોતી. જોકે બંધ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બની હતી.


સીએએ અને એનસીઆરના વિરોધમાં અપાયેલા ભારત બંધને અમદાવાદના વિવિધ સંગઠનો અને વેપારી મંડળોએ સમર્થન આપી પોતાના રોજગાર ધંધા બંધ રાખવાનો ઠરાવ કર્યો હતો. શહેરના દરિયાપુર, કાલુપુર, શાહપુર, દિલ્હી દરવાજા, મિરઝાપુર, જમાલપુર, પાનકોરનાકા, જુહાપુરા, વટવા, નારોલ દાણીલીમડા શાહઆલમ વગેરે વિસ્તારોમાં સવારથી વેપારીઓએ દુકાનો બંધ રાખી ભારત બંધને સર્મથન આપ્યું હતું.


રેપિડ એક્શન ફોર્સ તહેનાત કરાઈ હતી
બંધ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ ઉપરાંત રેપિડ એકશન ફોર્સના જવાનોની ટુકડીઓ તહેનાત કરવામાં આવી હતી. પોલીસે તકેદારીના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ અને વાહનોનું પેટ્રોલિંગ કર્યું હતું.


બાપુનગરમાં મહિલાઓએ વિરોધ કર્યો
બાપુનગર મોરારજી ચોકમાં બુધવારે સીએએસનો વિરોધ દર્શાવતાં બેનરો હાથમાં રાખી પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી. મહિલાઓનાં પ્રદર્શનની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post