• Home
  • News
  • બોટમાં પંખો બંધ થયો ને પાક.ની નેવી ઉઠાવી ગઈ; 5 વર્ષ વીત્યાં છતાં માછીમારો હજી જેલમાં; જાણો પરિવારોની અશ્રુભરી વેદના
post

ભારતીય માછીમાર પાક.ની જેલમાં ભગવાન ભરોસે: ભાયાભાઈ શિયાળ

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 18:25:34

ઉના: 'મારું નામ આયુષ છે. મારા હાથમાં મારા પપ્પાનો ફોટો છે. મારા પપ્પા માછીમારી કરતા પકડાઈ ગયા અને પાકિસ્તાનવાળા લઈ ગયા. એમનો ફોન પણ આવતો નથી'. હાથમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો અને શબ્દોમાં અઢળક પ્રેમ સાથે એક પિતા પ્રત્યેની લાગણી વરસાવતો આ આયુષ છેલ્લાં પાંચ વર્ષથી તેના પિતાની રાહ જોઈને બેઠો છે. આ વાત છે ઉનાના દાંડી ગામની. આ ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે. ગામના 29 જેટલા પુરુષો પાકિસ્તાનની જેલમાં કેદ છે. ગામનો મુખ્ય વ્યવસાય માછીમારી અને ખેતીનો છે. જેમાં ખેતી માત્ર ચોમાસા પર નિર્ભર છે. દાંડી ગામના 29 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં છેલ્લાં 2-5 વર્ષથી કેદ છે. જેમાં કોઈનો ભાઈ, તો કોઈના પિતા, કોઈનો પતિ, તો કોઈનો દીકરો હજી પણ પાકિસ્તાની જેલમાં છે. પરિવારજનો પણ તેમના મોભીની રાહ જોઇ રહ્યા છે અને આંખોમાંથી અશ્રુ વહાવી રહ્યાં છે. આંસુ અને હૃદયમાંથી વેદના સાંભળીએ ત્યારે તો કંપારી છૂટી જાય. બધા એક જ રટણ કરી રહ્યા છે કે, અમારા ઘરના મોભી ક્યારે આવશે?.

છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોના ઘરની મુલાકાત લેવા પહોંચ્યું ત્યારે મહિલાઓએ પોતાની વેદના વર્ણવી હતી. આ વેદના વર્ણવતા તેમની આખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરના અલગ અલગ વિસ્તારના 666 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી 400 જેટલા માછીમારો તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે. જેમનાં પરિવારજનો સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે કે, અમારા ફિશરમેનોને સરકાર ક્યારે છોડાવશે? તેવી માછીમાર પરિવારજનો માગ કરી રહ્યા છે.

વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર
પાકિસ્તાની જેલમાં કેદ અનેક માછીમારો તો એવા છે કે જેમને પાંચ-પાંચ વર્ષ વીતી ચૂક્યાં છે તેમ છતાં મુક્ત થયા નથી. નિયમ મુજબ ત્રણ વર્ષમાં માછીમારોને મુક્ત કરવાના હોય છે, પરંતુ પાંચ વર્ષ થવા છતાં મુક્ત થયા નથી. બીજી તરફ જે માછીમારો કેદ છે તેમના પરિવારને સરકાર સહાય ચૂકવે છે. તો અનેક માછીમાર પરિવારનું કહેવું છે કે, કોઈ કારણોસર બીજા અનેક માછીમાર પરિવારજનોને સહાય મળતી નથી. તેમનાં બાળકો મજૂરી કામ કરવા મજબૂર બન્યાં છે. ઉલ્લેખનીય છે કે, જે સમયમર્યાદામાં માછીમારો મુક્ત થવા જોઈએ તેના બદલે વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.

મારી દીકરી રડે છે કે, મારા પપ્પા ક્યારે આવશે: બચીબેન
માછીમાર અરજણ મજીઠિયાની પત્ની બચીબેને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, મારા પતિ 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. માછીમારી કરવા ગયા ત્યારે બોટમાં પંખો બંધ થઇ જતા પાકિસ્તાન નેવી સિક્યુરિટી આપણા દરિયામાં આવીને લઈ ગઈ. મારા પતિ 5 વર્ષથી પાકિસ્તાન જેલમાં હોઇ સરકાર કોઈ સહાય પણ આપતી નથી. અમારા પરિવારનું ગુજરાન કેમ ચલાવવું? મારે બે દીકરીઓ છે, એક દીકરી ભણતી હતી તેને સ્કૂલમાંથી ઉઠાડી લીધી છે. કામ કરવાવાળું કોઇ નથી. ઘરનું ગુજરાન કેમ ચલાવવું? પાકિસ્તાની જેલમાંથી બીજા માછીમારો છૂટે તો મારી દીકરી રડે છે કે, મારા પપ્પા ક્યારે આવશે?

ભારતીય માછીમાર પાક.ની જેલમાં ભગવાન ભરોસે: ભાયાભાઈ શિયાળ
પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષ કેદ રહી ચૂકેલા દાંડી ગામના માછીમાર ભાયાભાઈ શિયાળે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમારા ગામના 29 માછીમારો પાકિસ્તાની જેલમાં છે. તેને છોડાવવા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, તેમ છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. આ તમામ પરિવારની હાલત ખૂબ ખરાબ છે. હું પણ પાકિસ્તાની જેલમાં રહી ચૂક્યો છું, પાકિસ્તાનની જેલમાં બીમાર પડીએ ત્યારે માત્ર ભગવાન ભરોસે રહેવું પડે. ત્યાં કોઈ ભારતીય માછીમાર કેદીની યોગ્ય સારવાર થતી નથી કે નથી તેને હોસ્પિટલે લઈ જવાતા. તેથી બીમાર માછીમારોને ભગવાન બચાવે અથવા તો તેનો મૃતદેહ જ ઘરે આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post