• Home
  • News
  • શિક્ષિકાએ ચૂંટણીની કામગીરીનો અસ્વીકાર કર્યો, મામલતદારના આદેશથી અટકાયત કરાઈ
post

અમદાવાદમાં ચેનપુર પ્રા. શાળાની શિક્ષિકાનાં સાસુ-સસરા બીમાર હોવાનું કારણ આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-01 20:28:41

અમદાવાદ: આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શિક્ષકોને ચૂંટણી કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદનાં એક મહિલા શિક્ષિકાને BLOની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ તેઓ કામગીરી માટે હાજર ન થઈ એનો અસ્વીકાર કર્યો હતો, જેથી આજે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરેલાં શિક્ષિકાને મામલતદાર કચેરીમાં લાવવામાં આવ્યાં હતાં. તેમણે કામગીરી ન સ્વીકારવા માટે સાસુ-સસરા બીમાર હોવાનું કારણ આપ્યું હતું.

રજૂઆત સાંભળી માગ સ્વીકારવામાં આવી
અમદાવાદના ચેનપુરમાં આવેલી ચેનપુર પ્રાથમિક શાળામાં હિનલ પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની 1 ફેબ્રુઆરી 2024ના રોજ બૂથ લેવલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી તેઓ હાજર થયાં નહોતાં અને હુકમનો અનાદર કર્યો હતો, જેથી ઘાટલોડિયા વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ દ્વારા સાબરમતી પોલીસને શિક્ષિકાની અટકાયત કરવા માટે વોરંટ આપવામાં આવ્યું હતું. વોરંટ આવતાં જ સાબરમતી પોલીસે ચેનપુર ખાતેની સ્કૂલેથી મહિલા શિક્ષકની અટકાયત કરી હતી અને તેમને ગોતા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની રજૂઆત સાંભળીને તેમની માગ સ્વીકારવામાં આવી છે.

 

મહિલા શિક્ષકને ઓર્ડર કર્યા છતાં હાજર ન થયાં
આ અંગે અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી ઉમંગ પટેલે જણાવ્યું હતું કે મહિલા શિક્ષક ઓર્ડર કર્યા છતાં હાજર ન થતાં તેમને વોરંટ બજવીને કચેરીમાં હાજર કરવામાં આવ્યાં અને તેમની જ રજૂઆત હતી. રજૂઆત સાંભળીને તેમનો તેમના ઘરથી નજીક ઓર્ડર કરવામાં આવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post