• Home
  • News
  • સુરતમાં સિવિલ અને કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ પગારમુદ્દે હડતાળ પર ઊતર્યા, સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો
post

કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેઠા, પગાર ન મળે ત્યાં સુધી કામ ન કરવાનો નિર્ણય

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 12:10:29

છેલ્લા બે મહિનાથી પગાર નહીં મળતાં સુરત સિવિલ અને કોવિડ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ મંગળવારે ધમાલ મચાવી હતી, જેથી પોલીસ બોલાવવી પડી હતી. વહેલી તકે નિવેડો લાવવાની બાંયધરી અપાવા છતાં કર્મીઓ આજે હડતાળ પર ઊતરી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે.

કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલ બહાર વિરોધ કરી સુપરિન્ટેન્ડન્ટ ઓફિસે ધસી ગયા
સિવિલમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને સ્પેરો અકાઉન્ટ દ્વારા પગાર ચૂકવવામાં બે માસથી વિલંબ થઇ રહ્યો છે. કેટલાકને તો 3 મહિનાથી પગાર મળ્યો નથી. અગાઉ આ મુદ્દે કર્મીઓએ બે વખત હડતાળ કરી હતી, ત્યારે તેમને 5મી તારીખે પગાર મળી જવાનું કહેવાયું હતું. મંગળવારે પણ પગાર ન થતાં કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલ બહાર વિરોધ કરી સુપરિન્ટેન્ડન્ટ ઓફિસે ધસી ગયા હતા, જ્યાં તેમણે ભારે હોબાળો મચાવતાં સિક્યિરિટી સ્ટાફ દોડતો થઈ ગયો હતો.

700થી 800 કર્મચારી પગારથી વંચિત
એકથી દોઢ કલાક સુધી ધમાલ થતાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી. સુપરિન્ટેન્ડન્ટે કોન્ટ્રેક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની હૈયાધરપત આપી હતી. જોકે આજે ફરી કર્મચારીઓ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા છે અને સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે. જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીંના નારા લગાવવામાં આવી રહ્યા છે. 700થી 800 કર્મચારી પગારથી વંચિત હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે.

હોસ્પિટલની કામગીરીને અસર પહોંચી
ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં સિવિલ અને કોવિડ હોસ્પિટલની કામગીરીને અસર પહોંચી છે. 25 વોર્ડ, 4 OT, 25 OPD, ટ્રોમાં સેન્ટર, રેડિયોલોજી સહિતના વિભાગોમાં કોન્ટ્રેકટ અને સફાઈકર્મી કામથી દૂર રહ્યા છે. જ્યારે પરિવારજનોએ સ્ટ્રેચર ખેંચીને દર્દીને લઈ જવા પડતાં હૃદયસ્પર્શી દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે. હાલ 60 કાયમી કર્મચારીને કામે લગાડવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post