• Home
  • News
  • વડોદરા હરણી લેક દુર્ઘટના મામલે સુનાવણી:રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સ્વીકાર્યું, 40માંથી 21 લેકમાં સલામતીનાં કોઈ સાધનો જ નહોતાં, બધું જ રામભરોસે હતું
post

વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્ય સરકારે આવી તમામ એક્ટિવિટી બંધ કરી હતી. બાદમાં રાજ્યની 48 જગ્યાઓએ સ્થળ તપાસ બાદ જ્યાં લાઇફ સેવિંગ સાધનોની વ્યવસ્થાઓ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 19:10:53

વડોદરામાં હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકનાં મોત થયાં હતાં. આ ઘટના પાછળ જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી. આ એફિડેવિટમાં સરકારે સ્વીકાર્યું કે, 40માંથી 21 લેકમાં સલામતીનાં કોઈ સાધનો જ નહોતાં. સલામતી સાઘનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યારે 19માં બોટિંગ ચાલી રહ્યું છે. નળ સરોવરમાં લાઈફ જેકેટ પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

હવે પછી આવી દુર્ઘટના ફરી ના બને તે માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર ગુજરાતની ઈન લેન્ડ વોટર બોડીઝ જ્યાં બોટીંગ કે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય તેવા સ્થળોની માહિતી, ત્યાં ઉપલબ્ધ લાઇફ સેવિંગ સાધનોની પણ વિગતો માંગી હતી. વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્ય સરકારે આવી તમામ એક્ટિવિટી બંધ કરી હતી. બાદમાં રાજ્યની 48 જગ્યાઓએ સ્થળ તપાસ બાદ જ્યાં લાઇફ સેવિંગ સાધનોની વ્યવસ્થાઓ હતી, ત્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ ચલાવવા મંજૂરી આપી છે.

સરકારે કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી
સરકારે એફિડેવિટ ફાઈલ કરી છે. જેમાં જણાવ્યું છે કે, દુર્ઘટનામાં બધા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતકોના ફેમિલી મેમ્બરની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાયો છે. રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ હોય તેની માહિતી આપવામાં આવી છે. વડોદરા દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ ઈન લેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. જે જગ્યાએ નિયમો સેફ્ટીના સાધનો હતા ત્યાં જ મંજૂરી અપાઈ છે. જ્યાં નિયમો પળાતા નહોતા ત્યાં રાજ્યમાં 21 જગ્યાએ બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ બંધ કરાયા છે.

અર્બન વિભાગ દ્વારા 13 મેમ્બરની કમિટી બનાવાઈ
વધુમાં જણાવ્યું છે કે, વડોદરા દુર્ઘટનાના 21 આરોપીઓ પૈકી 20ને અરેસ્ટ કરાયા છે. 21 આરોપીઓ પૈકી એકનું અગાઉ નિધન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ઈન લેન્ડ 40 વોટર બોડીઝ છે. જેમાં બોટિંગ અને સ્પોર્ટ્સ પ્રવૃત્તિ ચાલતી હતી જે પૈકી 21 જગ્યાએ બંધ કરાઈ છે. અર્બન વિભાગ દ્વારા 13 મેમ્બરની કમિટી બનાવાઈ છે. જે વોટર બોડીઝમાં પ્રવૃત્તિ માટે લીગલ ફ્રેમવર્ક, બાંહેધરી, નિયમો વગેરે બનાવવા ઉપર કાર્ય કરશે. અમદાવાદમાં પણ નળ સરોવર અને અક્ષર રિવર ક્રુઝ ખાતે લાઇફ જેકેટની વ્યવસ્થા કરાઇ છે. બોટમેનને પણ લાયસન્સ આપવામાં આવશે.

VMCનું રિઝોલ્યુશન કોર્ટે માગ્યું હતું
જ્યારે કોર્ટે જણાવ્યું હતું કે, હરણી તળાવમાં કયાં નીતિ નિયમો મુજબ કોન્ટ્રાક્ટરની બોટ ચલાવવા આપવામાં આવી હતી તેની ઉપર કોર્પોરેશન દ્વારા કોઈ સુપરવિઝન રાખવામાં આવતું હતું કે કેમ? જે અંગે VMCનો જવાબ નકારમાં હતો. એગ્રિમેન્ટ અને ટેન્ડરમાં સુરક્ષા મુદ્દે કોઈ જોગવાઈ કરાઈ નહોતી. ઇન્સ્પેક્શન પણ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને કરાવ્યું હતું નહીં કે સુરક્ષાને લઈને. VMCએ કોન્ટ્રાક્ટરને તેની રીતે બોટ ચલાવવા દીધી તેને સીધું કામ આપીને પૈસા કમાવવાની મંજૂરી આપી દીધી હતી. VMCએ બધું સારું સારું બતાવવા આ પ્રમાણેની કામગીરી કરી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ઉપર કોન્ટ્રાક્ટરને બોટ ચલાવવા આપી તેનું VMCનું રિઝોલ્યુશન કોર્ટે માગ્યું હતું.

સેફ્ટીને કોઈ મહત્વ અપાયું નહોતું
સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી કે કેમ? જેનો જવાબ પણ VMC તરફથી નકારાત્મક હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સીધેસીધું સુપરવિઝન ઉપર ચર્ચા કર્યા વગર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપી દીધો હતો. વળી, સેફ્ટીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરને આપી દીધી હતી. જેમાં સેફ્ટીને કોઈ મહત્વ અપાયું નહોતું. વોટર બોડીઝમાં બોટ ચલાવવા માટે સરકાર તરફથી કોઈ સૂચનો આપવામાં આવે છે કે કેમ? તેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તેની માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. કોર્ટે સરકાર પાસેથી વોટર બોડીઝમાં બોટને લઈને રેગ્યુલેટરી નિયમો માગ્યા હતા. કોર્ટ મિત્રએ બોટિંગ એક્ટિવિટીને લઈને લાયસન્સ સેફ્ટીના નિયમો, રજિસ્ટ્રેશન વગેરે કાયદા અંગે પ્રકાશ નાખ્યો હતો. જોકે ઈન લેન્ડ વોટર બોડીઝ માટે કોઈ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. સ્વતંત્ર બોટ ચાલકો માટે પણ નિયમો ન હોવાનું ધ્યાને આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, વાહનની જેમ બોટનું લાયસન્સ જરૂરી છે.

દુર્ઘટનામાં શાળાએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું
વડોદરા બોટ દુર્ઘટનામાં 2 ઓફિસરને સસ્પેન્ડ કરાતા 115 ઓફિસર હડતાળ ઉપર ગયા હતા. વિદેશોમાં વોટર સ્પોર્ટસની જગ્યાઓ ઉપર લાઇફ સેવર સાધનો અને કુશળ તરવૈયાઓ હોય છે. શાળાઓએ પણ પ્રવાસ જતાં પહેલાં શિક્ષણ વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. આ દુર્ઘટનામાં શાળાએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, પરંતુ તેમાં ફક્ત શિક્ષકો જ માહિતી આપતા હતા. વાલીઓ બાળકો વિશે પૂછી શકતા નહોતા.

અમદાવાદમાં આ સ્થળોએ બોટિંગ ચાલુ છે

  • કાંકરીયા
  • અક્ષર રિવર ક્રૂઝ
  • નળ સરોવર
  • એટલાન્ટિક ફન વર્લ્ડ

વડોદરામાં આ સ્થળોએ બોટિંગ બંધ

  • હરણી તળાવ
  • સુરસાગર તળાવ
  • કોટના ગામનું તળાવ
  • મહોની માતા મંદિર
  • કરનાળી
  • કોહણાથી હોડી ઘાટ
  • નારેશ્વરથી વેલુગામ
  • માલસરથી દત્ત ભગવાન મંદિર
  • સીનોરથી સિસોદ્રા
  • નર્મદા ત્રિવેણી સંગમ

સુરતમાં આ સ્થળોએ બોટિંગ બંધ

  • બોટનિકલ ગાર્ડન
  • શ્યામા પ્રસાદ મુખર્જી ઉદ્યાન
  • ડિંડોલી

રાજકોટમાં આ સ્થળે બોટિંગ ચાલુ

ઇશ્વરીયા

શું હતો સમગ્ર મામલો
વડોદરા શહેર માટે કલંકરૂપ તારીખ 18 જાન્યુઆરી 2024ના રોજ બનેલી વડોદરા હરણી-મોટનાથ હોડી દુર્ઘટનામાં વાઘોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના હોડી સહેલગાહ દરમિયાન હોડી પલટી મારી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. 14 લોકોનો ભોગ લેનાર આ બનાવે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક પછી એક 18 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી આપ્યા છે. તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ હોડી દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને જવાબદાર મનાતા 6 અધિકારીઓને શોકોઝ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં 7 દિવસમાં ખુલાસો કરવા માટે જણાવ્યું હતું.


પકડાયેલા તમામ આરોપીઓનું લિસ્ટ:

  1. નયન ગોહિલ
  2. ભીમસિંગ યાદવ
  3. શાંતિલાલ સોલંકી
  4. અંકિત વસાવા
  5. વેદ પ્રકાશ યાદવ
  6. રશ્મિકાંત પ્રજાપતિ
  7. બિનિત કોટિયા
  8. ગોપાલદાસ શાહ
  9. પરેશ શાહ
  10. જતીન દોશી
  11. તેજલ દોશી
  12. નેહા દોશી
  13. નિલેષ જૈન
  14. અલ્પેશ ભટ્ટ
  15. દીપેન શાહ
  16. ધર્મિલ શાહ
  17. વત્સલ શાહ
  18. વૈશાખી શાહ
  19. નૂતન શાહ
  20. ધર્મિન ભટાણી
adv

Related News

post
post
post
post
post
post
post