• Home
  • News
  • ‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા
post

10મી એપ્રિલે પણ લસકાણા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હજારો કારીગરો રસ્તા પર ઉતર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 09:09:04

સુરત: કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન મોદીએ 3જી મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા મંગળવારે સાંજે વરાછામાં અલગ-અલગ વિસ્તારમાં હજારો કારીગરો રોડ પર ઉતરી આવ્યા હતા. એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત પ્રચાર કરાઇ રહ્યો છે અને તેના ભંગ બદલ દંડ પણ કરાઇ રહ્યો છે. આ સ્થિતિમાં કારીગરો ભેગા થઈ રહ્યા હોવાનો મેસેજ મળતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો વરાછામાં ખડકી દેવાયો હતો. કારીગરો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે ઘૂંટણ પર બેસી ગયા હતા અને આજીજી કરી રહ્યા હતા કે, અમે વતન મોકલી આપો. તેમણે કહ્યું કે જમવાની વ્યવસ્થા નથી. જેથી પોલીસે તરત જમવાની વ્યવસ્થા કરી બધાને પરત મોકલ્યા હતા. મોહનની ચાલમાં ચાલેલા ત્રણ કલાકના હોબાળાનો મેસેજ ફેલાતા અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં પણ કામદારોની ભીડ થવા લાગી હતી, જે બધાંને પોલીસે સમજાવીને પરત કરી દીધા હતા.

2500 કારીગરો રસ્તા પર ઊતર્યા
સુરતના વરાછા મોહન નગર(મોહનની ચાલ) વિસ્તારમાં ચાલતાં એમ્બ્રોડરીના કારીગરો વતન જવાની જીદને લઈને રસ્તે ઉતર્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. પોલીસને જોઈને કારીગરો રસ્તે બેસી ગયા હતા. આવી જ રીતે તા. 10મી એપ્રિલે લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારના રામદેવ નગર, ડાયમંડ નગર, કળથિયા અને ક્રિષ્ના સોસાયટીના 2500 જેટલા કારીગરોએ રસ્તા પર ઉતરી આવીને શાકભાજીની લારી, પાનની કેબિનો અને રસ્તે મુકેલા બેરીકેટ્સને નુકસાન કર્યુ હતું. આ ઉપરાંત રસ્તો બંધ કરવા માટે મુકેલા લાકડાની આડશને આગ પણ લગાડી દીધી હતી.

વતન જવાની માગ સાથે કારીગરોનો હંગામો
આ ઘટના બાદ મંગળવારે તા.14મીએ વડાપ્રધાન મોદીએ લોક-ડાઉન લંબાવવાની વાત કરતાં જ વરાછા વિસ્તારમાં આવેલા મોહન નગરના એમ્બ્રોયડરીના કારખાનામાં કામ કરતાં અંદાજે 1000 જેટલા કારીગરો વતન જવાની માંગણી સાથે રસ્તે ઉતરી આવી હોબાળો કર્યો હતો. આ અંગે કારીગરોના સમૂહ સાથે થયેલી વાતચીતમાં તેઓ જણાવે છે કે, જે કારીગરોને સરકારી શાળાઓમાં રાખ્યા હતા. તેમને તપાસ કરીને તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે. જે કારીગરો સ્વસ્થ છે તેમને પોતાના વતન જવા દેવામાં આવે. 

શું કહે છે કારીગરો: જે લોકો સ્વસ્થ છે તેમને તેમના વતનમાં જવા દો અથવા તો અમને કામ આપો

·         લૉકડાઉનમાં છેલ્લાં 14 દિવસમાં 3 વખત રિપોર્ટ કરાવવામાં આવ્યો. શાળામાં મૂકવામાં આવ્યા હતા,  આ સમય દરમિયાન ત્રણ- ત્રણ વખત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ કર્યા બાદ છોડી મૂકવામાં આવ્યા.

·         જે લોકો સ્વસ્થ છે અને વતનમાં પોતાના ઘરે જવા ઇચ્છે છે તેમને જવા દો. અથવા તો અમને કામ આપો. બસ અમે આટલું જ ઇચ્છી છીએ.

જમવાની વ્યવસ્થા કરવા પોલીસે બે સંસ્થાને બોલાવી
મોહન નગરના કારીગરોએ પોલીસને ફરિયાદ કરી હતી કે, એકમના માલિકોએ તેમને ફક્ત ખર્ચી ચૂકવી છે. જેમાંથી જમવાનું મેળવવું મુશ્કેલરૂપ થઈ રહ્યું છે. સુરતમાં રહેશે તો નહીં બીમાર થવાના હશે તો પણ બીમાર પડી જશે. જેને પગલે તેમને પોતાના પરિવાર પાસે જવા દેવામાં આવે, જમવાનાની ફરિયાદ ઉઠતાંની સાથે જ કારીગરોને વ્યવસ્થિત જમવાનું પૂરુ થઈ રહે તે માટે બે સેવાભાવી સંસ્થાઓને બોલાવીને રસોડું શરૂ કરવા સૂચન કર્યુ હતું.

કારીગરો હવે માનસિક રીતે થાક્યા છે
પગાર અને ભોજન મળે છે. હવે વતનની યાદ આવી રહી છે. લૉકડાઉનના વધુ 19 દિવસનો સમય કાપવો તેમના માટે મુશ્કેલ બની રહેશે. કારીગરો માનસિક રીતે થાકી ગયા છે. તંત્ર સૂચના આપે તે મુજબ કારીગરોની સમસ્યાનો ઉકેલ લાવવા અમે યથાયોગ્ય સહકાર આપવા તૈયાર જ છીએ. > દિનેશ અણધણ, પ્રમુખ ઓલ ગુજરાત એમ્બ્રોયડરી એસોસિએશન

ટોળે-ટોળા વળતા પોલીસે સમજાવીને પરત કર્યા
મોહન નગરથી થોડા અંતરે આવેલા કાપોદ્રા વિસ્તારની સ્નેહમુદ્રા-ઘનશ્યામ નગર સોસાયટી સહિત એ.કે રોડના પટેલ નગર, કતારગામ જીઆઈડીસીના હજારો કારીગરો રસ્તે ઉતરી આવ્યા હતા. જોકે, આ રસ્તે ઉતરી આવેલા બંન્ને ટોળાને પોલીસને સમજાવટ કરીને વિખેર્યા હતા.

પાવરકટ થતાં જ કારીગરોએ બૂમબરાડા પાડી નાસભાગ કરી
મોહનનગર પાસે જ્યારે કારગીરો અને પોલીસ વચ્ચે સમજાવટની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ થોડા સમય માટે પાવર કટ થયો હતો. કારીગરોએ ચીચયારી-બૂમબરાડા પાડ્યા અને થોડા સમય માટે નાસભાગ કરી હતી. જેને કારણે માહોલ તંગ બની ગયો હતો. જોકે, આવું થોડા સમય માટે જ ચાલ્યું અને પછી તરત પાવર આવી જતાં માહોલ શાંત થઈ ગયો હતો.

કારીગરોની ફરિયાદ-માંગણી

·         અમે જે કારખાનાઓમાં રહીએ છીએ ત્યાં યોગ્ય જમવાનું મળતું નથી.

·         અમારે કોઈપણ સંજોગોમાં વતન જવું જ છે, અમને વતન જવા માટે વ્યવસ્થા કરી આપો.

·         થોડા ઘણાં રૂપિયા જે માલિકે આપ્યા હતા તે પણ પૂરા થઈ ગયા છે.

·         રહેવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા નથી, મોટાભાગના કારીગરો જે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતા હતા તેમને ત્યાં જ મજબૂરીમાં સૂઇ રહેવું પડે છે.

માંગણી સ્વીકારી શકાય એમ નથી
લૉકડાઉનમાં કારીગરોની માંગણી સ્વીકારી શકાય એમ નથી. તેમની જમવા બાબતે જે ફરિયાદ હતી તેને દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે બધાને ભરપેટ જમાડવામાં આવ્યા છે. - સી. કે. પટેલ, એસીપી, એ ડિવિઝન

પાંડેસરામાં પગાર ન મળતા કામદારોએ હલ્લો મચાવ્યો 
પાંડેસરા જીઆઈડીસીની શ્રેયા ડાઇંગ એન્ડ પ્રિંટીંગ મીલમાં કામ કરતા 100થી વધુ કારીગરોને છેલ્લા બે મહિનાનો પગાર ન મળતા કારીગરો લોકડાઉનમાં હેરાન થયા છે. જેથી મંગળવારે કારીગરો મીલ પર ભેગા થયા હતા. કારીગર રાજુ મોર્યાએ જણાવ્યું કે, 100થી વધુ કારીગરોને ફેબ્રુઆરી અને માર્ચનો પગાર મળ્યો નથી. અમારા તમામ કારીગરોના 6.40 લાખ લેવાના થાય છે.હાલ અમારી પાસે રૂપિયા નથી. કામ બંધ છે.ક્યાંયથી કોઈ સહાય મળી નથી. વાહનવ્યવહાર બંધ હોવાથી વતન જઈ શકતા નથી. અમે બધા યુપી-બિહારના વતની છે. અમારે તો ભુખે મરવાનો વારો આવ્યો છે. માલિક હાલ રૂપિયા આપવાની ના પાડી છે. હવે અમારે શું કરવાનું.અમે પોલીસને પણ આ બાબતે રજુઆત કરી છે પરંતુ કાંઇ પરિણામ આવ્યું નથી. આ બાબતે મીલ માલિક બબલુએ જણાવ્યું કે, આ લોકોનેે 2.70 લાખ ઘરે બોલાવીને આપ્યા છે. થોડા રૂપિયા બાકી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post